e-Aadhar app : આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ હવે ભૂતકાળ બની જશે. UIDAI એક એવી નવી અને સ્માર્ટ આધાર એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી આધારકાર્ડને લગતા મોટાભાગના જરૂરી કામ ઘરે બેઠા મોબાઈલથી જ થઈ જશે. આ નવી એપ ડિસેમ્બર 2025 સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. ચાલો જાણીએ શું ખાસ છે આધારકાર્ડની નવી એપમાં?
નવી e-Aadhar app એપમાં શું હશે ખાસ?
આવનારી “ઈ-આધાર એપ” (e-Aadhar app) યુઝરને વધુ સુરક્ષિત અને સરળ અનુભવ પ્રદાન કરશે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ફેસ ID જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ફેસ ID લોગિન: તમે માત્ર તમારો ચહેરો સ્કેન કરીને એપમાં સરળતાથી લોગિન કરી શકશો.
- QR કોડ વેરિફિકેશન: એપમાં એક ઇન-બિલ્ટ QR કોડ સ્કેનર હશે. તેનાથી આધાર કાર્ડની વિગતોને ઝડપથી ચેક કરી શકાશે, જેનાથી નકલી આધાર કાર્ડનું જોખમ ઘટશે.
હવે ઘરે બેઠા આધાર કાર્ડને લગતા કયા કામો થશે?
આ નવી એપનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધાર સેવા કેન્દ્રો પર લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવાનો છે. હવે તમે ઘરે બેઠા નીચે મુજબના કામો કરી શકશો:
- આધાર કાર્ડ અપડેટ કરો: તમે તમારું નામ, સરનામું અને જન્મતારીખ જેવી જરૂરી અંગત વિગતો સીધી એપ પર જ અપડેટ કરી શકશો.
- આધાર ડાઉનલોડ અને ઓર્ડર કરો: તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો, તમારી અપડેટ હિસ્ટ્રી ચકાસી શકશો અને PVC આધાર કાર્ડ ઘરે ડિલિવરી માટે ઓર્ડર પણ કરી શકશો.
- સુરક્ષિત ઓનલાઈન શેરિંગ: આધારની માહિતીને સુરક્ષિત રીતે ઓનલાઈન શેર કરી શકાશે, જેનાથી સામાન્ય ચકાસણી માટે ઝેરોક્ષ આપવાની જરૂર નહિ પડે.
આ એક કામ માટે હજુ પણ આધાર સેન્ટર પર જવું પડશે
UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે લગભગ બધું જ ડિજિટલ થઈ રહ્યું હોવા છતાં, એક કામ માટે તમારે હજુ પણ આધાર સેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવી પડશે.
આધાર સાથે લિંક થયેલો તમારો મોબાઈલ નંબર બદલવા માટે, તમારે કેન્દ્ર પર જઈને એક કરેક્શન ફોર્મ ભરવું પડશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. UIDAI મુજબ, બેંકિંગ અને સરકારી સેવાઓમાં મોબાઈલ નંબરના મહત્વને કારણે સુરક્ષા માટે આ પગલું અત્યંત જરૂરી છે.
આ નવી એપનો બીટા વર્ઝન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વર્ષે એપ્રિલમાં લોન્ચ કર્યો હતો. હાલમાં, UIDAI યુઝરના પ્રતિસાદના આધારે એપને વધુ બહેતર બનાવી રહ્યું છે અને સંપૂર્ણ લોન્ચિંગ પહેલા તેને અંતિમ ઓપ આપી રહ્યું છે.